ગૌતમ રોડે ટેલિવિઝનનો ખૂબ જ જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. ઘણા સમય પછી તે ફરીથી બોલિવૂડમાં પાછો ફરી રહ્યો છે. ગૌતમ અને ઝરીન માટે આ ફિલ્મ ખૂબ મહત્વની છે. ફિલ્મમાં ઝરીનના પાત્રનું મહત્વ સૌથી વધારે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ગૌતમ આ ફિલ્મમાં ગ્રે શેડ પાત્રમાં જોવા મળશે. ગૌતમ પહેલીવાર આ પ્રકારનું પાત્ર ભજવી રહ્યો છે. ગૌતમ સાથે થયેલી વાતચિતમાં ફિલ્મ, કરિયર અંગેની કેટલીક રસપ્રદ વાતો.

એક લાંબા સમય પછી ફરીથી બોલિવૂડમાં આવવાનું કેવું લાગી રહ્યું છે.

કરીયરની શરૂઆતમાં  જે ફિલ્મોમાં તક મળી તે ઝડપી લીધી હતી અને ત્યારપછી મને ટેલિવિઝન કરવાની તક મળી તો તે એક પછી એક કરતો ગયો. તેમાં એક લાંબો સમય નીકળી ગયો. નવા નવા પ્રોજેક્ટ અને પાત્ર ભજવવાની તક મળતી રહી. તે સમયે વધારે વિચારવાનો સમય મળ્યો નહીં કે હવે મારે શું કરવું જોઇએ. હું શરૂઆતથી જ એક સમયે એક જ વસ્તુ કરવામાં માનુ છું. ટેલિવિઝને મને થોડા વર્ષો એટલો બધો બિઝી કરી દીધો કે કોઇ ફિલ્મ પ્રોજેક્ટ આવે તો પણ કરી શકતો નહોતો. ટેલિવિઝન તમારા મહિનાના 30 દિવસ લઇ લે છે. જ્યારે મારો છેલ્લો શો પૂરો થઇ રહ્યો હતો ત્યારે આ ફિલ્મની ઓફર આવી અને મેં તે સ્વીકારી લીધી.

ટેલિવિઝનમાં તમે એક હકારાત્મક પાત્ર અને ઇમેજને લઇને ચાલ્યા છો. આ ફિલ્મમાં ગ્રે શેડ પાત્ર છે.

હું એક કલાકાર છું જેને અલગ અલગ પાત્ર ભજવવાનું ગમે છે. હું પોતે પણ એક વ્યક્તિ તરીકે ઇચ્છું છું કે હું અલગ પ્રકારના પાત્ર ભજવું. એક કલાકાર તરીકે મારે મારી જાતને રોજબરોજ વધારે ઇમ્પ્રુવ કરવાની છે. જે રીતે હું અલગ અલગ પાત્ર ટીવીમાં ભજવતો આવ્યો છું, તેવું જ કઇક અલગ મને આ ફિલ્મમાં કરવાની તક મળી.

શૂટીંગ દરમિયાનની કોઇ ખાસ ઘટના જણાવશો.

મોરેશિયસમાં શિવજી અને હનુમાનજીના મંદિરે ગયા હતા. શિવજીના દર્શન કર્યા અને પછી હનુમાનજીના દર્શન માટે 122 દાદર ચડવાના હતા. તે પણ ચડ્યા. જ્યારે નીચે આવ્યા તો મારા શૂઝ હતા નહીં. ચોરી થઇ ગયા હતા. લાઇફમાં આવું ક્યારેય થયું નહોતું. ભારતમાં ક્યારેય ન થયું તે મોરેશિયસમાં જઇને થયું. તે પછી શૂઝ ની ખરીદી કરવા માટે મોલમાં ગયા તો ત્યાં લોકો સરસવતીચંદ્ર સિરિયલના ચાહક હતા તો મને સરસ  તરીકે બોલાવીને આજુબાજુ વીંટળાઇ ગયા. થોડો ક્રેઝી, ફની પણ સારો અનુભવ રહ્યો.

ગોડફાધર વિના ઇન્ડસ્ટ્રીમાં રહેવું મુશ્કેલ છે ખરું.

ગોડફાધર હોય તો ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી તક મળી જાય છે.  જોકે તમારી સફળતાની ગેરેન્ટી કોઇ આપી શકતું નથી. હું કોઇ ઇન્ડસ્ટ્રી બેકગ્રાઉન્ડમાંથી આવ્યો નથી. જીવનમાં પોઝીટીવ અને નેગેટીવ સપનાઓ ઘણાબધા જોયા છે. આગળ વધવાના અને પાછળ ફેંકાવાના પણ સપના જોયા છે. અમે ફક્ત સખત મહેનત કરી શકીયે છીએ. ખૂબ જ સરળતાથી કામ કરી શકીયે છીએ. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા ઉદાહરણ છે, જે ગોડફાધર વિના પણ આજે સફળતા પર છે.

ફિલ્મના પાત્ર વિશે જણાવો.

મારું પાત્ર થોડું પોઝીટીવ અને થોડું ફ્રોડ છે. થોડોક ગ્રે શેડ્સ પણ જોવા મળશે. તક ઝડપી લેનાર અને ડિપ્લોમેટીક વ્યક્તિ છે. એક સાથે અનેક બાબતો એક જ પાત્રમાં મને કરવા મળી છે. એક સૂર મળ્યો છે, તો મેં પાત્ર પસંદ કરી લીધું. નવું કંઇક ભજવવાની તક મળી, તેથી વધારે વિચાર્યું નહીં.

અક્સર કરતા અક્સર 2 ફિલ્મમાં શું અલગ છે.

અક્સર ફિલ્મની ફક્ત ફ્રેન્ચાઇઝી જ છે બાકી ફિલ્મની વાર્તા એકદમ અલગ છે. પ્રોડ્યુસર અને ડિરેક્ટર એક છે બાકી ટેગલાઇન પણ અલગ છે. આ ફિલ્મમાં પાત્ર પ્રમાણે પરિસ્થિતી બદલાતી નથી, પણ પરિસ્થિતી પ્રમાણે પાત્ર બદલાતા જોવા મળશે. મોટાભાગે ફિલ્મોમાં પાત્રને ખબર હોય છે કે હવે આ પરિસ્થિતી પ્રમાણે રોલ ભજવવાનો છે, જ્યારે આ ફિલ્મમાં પરિસ્થિતી એ રીતે બદલાય છે કે પાત્રને આપોઆપ તે મુજબ જ અનુકૂળ થવું પડે છે. પાત્રને પોતાને ખબર હોતી નથી કે હવે પછી કઇ પરિસ્થિતીમાં તેમણે કઇ રીતે સહન કરવાનું છે કે સફર કરવાનું છે. નવી નવી ઘટનાઓ સામે આવતી જાય છે. આવી પરિસ્થિતીમાં પાત્ર ભજવવાની ખૂબ જ મજા આપી કારણકે ઘણીવાર પાત્રને રમત રમવાની હોય છે, જ્યારે અહીં પરિસ્થિતી રમત રમતી જોવા મળશે. તેના લીધે બધાના સંબંધો બદલાતા જોવા મળશે.

 

મેધા પંડ્યા ભટ્ટ

Loading

Spread the love

Leave a Comment