શાહિદ કપૂરે પોતાની કરિયરમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે પણ જેટલી ફિલ્મો કરી છે, તેમાં તેમણે પોતાની એક્ટીંગને સાબિત કરી છે અને લોકોની પ્રશંસા મેળવી છે. તેમની ફિલ્મો કમીને, ઉડતા પંજાબ અને હૈદરના તેમના પાત્રને લઇને લોકોને ખરેખર અચરજ થયું. પદ્માવતમાં તેમના કાર્યને લોકોએ ખૂબ વખાણ્યું છે. શાહિદે ભલે ઓછી ફિલ્મો આપી છે પણ દરેક ફિલ્મમાં તેમના પાત્રને લોકો આજેપણ યાદ કરે છે. હાલમાં તે પોતાની ફિલ્મ કબીર સિંહને લઇને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં ખૂબ ઇન્ટેન્સ રોલ છે. આ ફિલ્મ સાઉથની સુપરહિટ થયેલી ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે. શાહિદ કપૂર ફિલ્મ કબીર સિંહમાં એક ગુસ્સાવાળા, શરાબી અને પ્રેમમાં નિષ્ફળ ગયેલા યુવાનનું પાત્ર ભજવી રહ્યા છે. આ પ્રકારનું પાત્ર ભજવવા માટે તેમણે પોતાને કઇ રીતે તૈયાર કર્યા તે વિશે જાણીયે. સાથે જ હાલમાં વેબ સિરિઝનો જમાનો છે, તો તે વિશે તેઓ શું વિચારે છે, તેમની કરીયરની જર્ની કેવી રહી તેની વાતો તેમની પાસેથી જ.

કબીર સિંહ સ્વીકારવાનું કોઇ ખાસ કારણ રહ્યું. આ ફિલ્મ અને તમારા રોલ વિશે થોડું જણાવો.

મેં પહેલા સાઉથની ફિલ્મ અર્જુન રેડ્ડી જોઇ કારણકે આ ફિલ્મ તેની રીમેક છે. હું આ ફિલ્મના પાત્રથી ખૂબ પ્રભાવિત થયો. આવો રોલ મેં મારા અત્યાર સુધીના કરીયરમાં ભજવ્યો નથી. મેં નક્કી કરી લધુ કે ફિલ્મ કબીર સિંહ કરવી જ છે. ફિલ્મમાં કબીર સિંહ એક ખૂબ હોશિયાર ડોક્ટર છે પણ સાથે જ ખૂબ ગુસ્સાવાળો પણ છે. ગુસ્સામાં તે બધુ જ વેરવિખેર કરી નાખે છે. તેના જીવનમાં એક યુવતીનો પ્રવેશ થાય છે. જેના કારણે તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવતા શીખી જાય છે પરંતુ કબીર પાસેથી તેનો પ્રેમ છીનવી લેવામાં આવે છે. તે પછી તે શરાબી બની જાય છે. કબીરનું શુ થાય છે. તેનું જીવન આબાદ થાય છે કે બરબાદ, તે જાણવા માટે દર્શકોએ ફિલ્મ જોવી પડશે.

ઉડતા પંજાબમાં ડ્રગ એડીક્ટનો રોલ હતો અને કબીર સિંહમાં શરાબીનો, શું આ બંને પાત્ર ક્યાંક ને ક્યાંક સરખા લાગતા નથી.

ના, બંને ફિલ્મોની વાર્તા ખૂબ અલગ છે. ઉડતા પંજાબમાં મારું પાત્ર ટોની એક સ્વાર્થી વ્યક્તિ હતો. ડ્રેગ એડીક્ટ હતો. જ્યારે ફિલ્મ કબીર સિંહમાં મારું પાત્ર પોતાના ગુસ્સાથી પરેશાન થઇ ગયેલા વ્યક્તિનું છે. તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવા ઇચ્છે છે. તે પ્રેમમાં નિષ્ફળતા મળવાથી શરાબ પીવા લાગે છે. જ્યારે લોકો ફિલ્મ કબીર સિંહ જોશે તો તેમને સમજાશે કે ઉડતા પંજાબના મારા પાત્ર કરતા આ રોલ કેટલો અલગ છે.

તમે પોતે રીયલ લાઇફમાં તો શરાબ પીતા નથી તો શરાબીનો રોલ કઇ રીતે કર્યો.

હું પોતે શરાબ પીતો નથી પણ લોકોને શરાબ પીતા જોઉં છું. તેઓ શરાબ પીધા પછી કેવા પ્રકારનું વર્તન કરે છે તે મને ખબર છે. મેં આ વાતોને યાદ રાખીને મારો રોલ ભજવ્યો છે. જેના કારણે શરાબીનું પાત્ર ભજવવું મારા માટે સરળ રહ્યું.

કિયારા અડવાણી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો.

તે ખૂબ સારી કલાકારા છે. ફિલ્મમાં તેનું પાત્ર જ વાર્તાને આગળ લઇ જાય છે. ટ્વીસ્ટ અને ટર્ન્સ આવે છે. કિયારાએ ફિલ્મમાં પ્રીતીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે.

તમે ખૂબ ઓછી ફિલ્મો કરી છે. ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે તેને કેટલું યોગ્ય ગણો છો.

મને ઘણીવાર એવો વિચાર આવ્યો છે કે હું શા માટે ઓછી ફિલ્મો સાઇન કરું છું. બીજા ઘણા લોકો વધારે ફિલ્મો કરે છે અને તેમની ફિલ્મો હિટ પણ થતી હોય છે. મને પછીથી અહેસાસ થયો કે દરેક કલાકારની પોતાની અલગ જર્ની હોય છે. હું ઓછી ફિલ્મો કરું છું પણ યોગ્ય ફિલ્મો કરું છું. જે ફિલ્મની વાર્તા મને ન ગમે તેના માટે ના પાડી દઉં છું.

વિશાલ ભારદ્વાજની કમીને પાર્ટ 2માં તમે જોવા મળશો.

વિશાલ ભારદ્વાજ એવા ડિરેક્ટર્સમાના એક છે, જેમની સાથે હું હંમેશા કામ કરવા માટે તત્પર રહેતો હોઉં છું. જો કમીને પછી કમીને 2માં પણ તેઓ મને લેશે તો તેનો મને આનંદ થશે. જોકે હજી સુધી મને તેમના તરફથી કોઇ ઓફર આવી નથી.

હાલમાં વેબ સિરિઝનો જમાનો છે, તેનો ભાગ બનવાનું પસંદ કરશો.

હું એક્ટીંગના કોઇ માધ્યમમાં કામ કરવા માટે તત્પર છું. બસ મને વાર્તા અને પાત્ર ગમવા જોઇએ. વેબ સિરિઝ આપણે ત્યાં લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મેં પણ ઘણી બધી વેબ સિરિઝ જોઇ છે જે ખૂબ રસપ્રદ છે. મારી પાસે વેબ સિરિઝ માટે પણ ઘણી ઓફર આવી છે પણ એવી કોઇ વાર્તા નથી મળી કે હું તેના માટે હા પાડી શકું.

તમારા જીવનમાં કોને માટે વધારે પ્રોટેક્ટીવ છો.

ફિલ્મમાં ભલે હું ગુસ્સાવાળા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છું પણ રીયલ લાઇફમાં મને મારી પત્ની મીરાના ગુસ્સાનો ડર લાગે છે. હું તેના માટે ખૂબ પ્રોટેક્ટીવ છું. હું તેને હંમેશા ખુશ જોવા ઇચ્છું છું. મને ફક્ત તેના ગુસ્સાનો જ ડર લાગે છે, બાકી કોઇનાથી ડરતો નથી.

 

Loading

Spread the love

Leave a Comment